હેબુવા ગામમાં આવેલ મંદિરો અને દેવસ્થાનો

અંબાજી માતાનું મંદિર

હેબુવા ગામનું સદીઓ જુનું મંદિર એટલે અંબાજી માતાનું મંદિર. આહીરો દ્વારા છેક ૧૧મી સદીથી અંબાજી માતાનું પૂજન થાય છે. પહેલા અહી એક નાનકડું મંદિર હતું અને જેમ જેમ સમય ગયો તેમ શ્રધાળું ગ્રામવાસીઓ દ્વારા એને અલગ અલગ રંગ રૂપથી સજાવી દીધું.

સાલ ૧૯૯૦માં ગ્રામજનો દ્વારા અંબાજી માતાનું મોટું મંદિર બનાવી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. સાલ ૨૦૧૫માં આ પ્રતિષ્ઠાને ૨૫ વર્ષ પૂર્ણ થતા હોઈ ગ્રામજનો દ્વારા રજત જયંતીનું આયોજન કરવામાં આવ્યુ છે. ગામ ના સર્વ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો ભેગા મળી ઉત્સવ માટેની સરસ મજાની તૈયારી કરેલ છે.

ગામની દરેક પરણેલી સાસરે ગયેલી દીકરીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ રજત જયંતિ નિમિત્તે અંબાજી માતા, બ્રહ્માણી માતા અને ખોડિયાર માતાના મંદિરે હવન અને પૂજા-પાઠનું આયોજન કરવામાં આવેલ છે.

દર વર્ષે નવરાત્રીની આસો સુદ આઠમના દિવસે અંબાજીના મંદિરે હવન થાય છે. આજ નવરાત્રીના સાતમ/આઠમ પર નાયકો દ્વારા હજી પણ ભવાઈ/નાટકનું આયોજન થાય છે અને સવારે હાલરડાં ગવાય છે. ગામમાં રાજપૂતોના ઘરે જયારે પહેલા ખોળાનો દીકરો જન્મે ત્યારે તેનો ગરબો નીકાળવાની પ્રથા વર્ષો જુની છે. મહા સુદ તેરસે અંબાજી માતાની ચુંદડી બદલાય છે. દર શ્રાવણ મહિનામાં ચંડીપાઠનું આયોજન કરવામાં આવે છે.