હેબુવા ગામની શિક્ષણ સુવિધા

હેબુવા અનુપમ શ્રેષ્ઠ પ્રાથમિક મિશ્ર શાળા

ગુજરાત રાજ્યના સાક્ષરતા દર ની સરખામણીએ, હેબુવા ગામનો સાક્ષરતા દર ખુબ જ ઉંચો છે. ભારત સરકારના સેન્સસ ૨૦૧૧ મુજબ ગુજરાત રાજ્યના સાક્ષરતા દર ૭૮.૦૩% ની સરખામણીએ હેબુવા ગામનો સાક્ષરતા દર ૯૭.૨૬% છે. જે પૈકી ગામના કુલ પુરુષોની સંખ્યામાં ૯૮.૮૧ % અને ગામની સ્ત્રીઓની કુલ સંખ્યામાં ૯૫.૬૦% લોકો ભણેલા સાક્ષર છે. આ સિદ્ધિનો સીધો શ્રેય ગામમાં આવેલ અનુપમ પ્રાથમિક શાળાને અને તેના શિક્ષકો અને ગામના જાગૃત વાલીઓને જાય છે.

હેબુવા અનુપમ શ્રેષ્ઠ પ્રાથમિક મિશ્ર શાળાની સ્થાપના તારીખ ૧/૪/૧૯૫૫ના રોજ કરવામાં આવી હતી. હાલ શાળા મહેસાણા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના પ્રાથમિક શિક્ષણના વર્ગો ચાલે છે. શાળામાં કુલ ૨૧૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે પૈકી ૧૧૧ છોકરા અને ૯૯ છોકરીઓ છે.

હેબુવા ગામની શાળાનું કુદરતી વાતાવરણ જ અનોખું છે. સરસ મજાના વૃક્ષો અને બગીચા સાથે કુદરતના ખોળામાં બેસીને શિક્ષણ અપાતું હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણમાં જરૂર હોય તે બધી જ સુવિધાઓનું ધ્યાન અહીના શિક્ષકો દ્વારા રાખવામાં આવે છે. શાળામાં શિક્ષણ સાથે બાળકમાં મુલ્યો સાથે તેનો નૈસર્ગિક રીતે સર્વાંગી વિકાસ થાય અને એક સારા નાગરિક તરીકે જવાબદાર બને તે માટે શાળા દ્વારા અલગ અલગ પ્રવૃત્તિ અને કાર્યક્રમો શરુ કરવામાં આવેલ છે. જેમાં 'રામ દુકાન', 'અક્ષય પાત્ર' અને 'ખોયા-પાયા' જેવા કાર્યક્રમો ખરેખર દિલને સ્પર્શે તેવા છે.

રામ દુકાન : શાળામાં વિદ્યાર્થીઓને લગતી સામગ્રી મળી રહે તેવી એક 'રામ દુકાન' વર્ષ ૨૦૦૭ થી કાર્યરત છે. અહીં વિદ્યાર્થીએ પોતાને જે સામગ્રી જોઈએ તે પોતાની રીતે જ પ્રામાણિકપણે પૈસા જે લખેલા હોય તે મુકીને લેવાની હોય છે.

અક્ષયપાત્ર : આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ ઘરેથી થોડા દાણા લાવીને પંખીઓને શાળાના ચબૂતરામાં ચણ નાખે છે.

ખોયા-પાયા: આ એક અનોખી સુવિધા છે જેમાં જે કોઈ પણ વિદ્યાર્થીને શાળામાંથી કઈ પણ મળે તો તે વિદ્યાર્થી એક બોક્સમાં નાખી દે. અને જે તે વિદ્યાર્થીનું કઈ ખોવાયું હોય તો તે ત્યાંથી પાછું મેળવી લે.

શાળાના શિક્ષકો વિશે

શાળામાં આઠ શિક્ષક/શિક્ષિકાઓ અને એક આચાર્ય સહીત કુલ નવ નો સ્ટાફ છે. વિદ્યાર્થીઓ દરેક વિષય પર સરખી રીતે ધ્યાન આપી શકે તે માટે દરેક વિષય અલગ અલગ શિક્ષક દ્વારા ભણાવાય છે. નીચે મુજબ છે.

 શાળાના સ્ટાફની માહિતી
 ક્રમાંક
નામ
૧. શ્રી હમીદ આર. વિરાણી (આચાર્ય)
૨. પરમાર પ્રેમીલાબેન હરિભાઈ
૩. ચૌધરી લવજીભાઈ રાસંગભાઈ
૪. ચૌધરી શાન્તાબેન માવજીભાઈ
૫. પટેલ અશોકકુમાર બુલાખીદાસ
૬. ચૌધરી ભારતીબેન નરસંગભાઈ
૭. નાયી ભાવનાબેન રજનીકાંત
૮. પટેલ આશિષભાઈ નારણભાઈ
૯. ચૌધરી સુરેશભાઈ માનસંગભાઈ  • સુવિધાઓ
  • પ્રવૃતિઓ
  • જીવનના મૂલ્યોનું શિક્ષણ
  • એવોર્ડ

સરસ મજાનું પાકું હવા-ઉજાસ વાળું બાંધકામ અને બગીચો, પ્રાર્થના ખંડ, મધ્યાહન ભોજનની સારા સ્ટેજ સાથેની સગવડ, છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ સ્વચ્છ શૌચાલયની સુવિધા, પુસ્તકાલય, કોમ્પ્યુટર લેબ, ગણિત - વિજ્ઞાનના સાધનો, ઠંડા સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા, બેસવા માટે બેંચ/પાટલી, પંખા અને ટ્યુબલાઈટ સાથે સજ્જ વર્ગખંડો.

શાળામાં અલગ અલગ પ્રવૃત્તિઓ અને રમતો દ્વારા વિધાર્થીઓના અંદર રહેલી સર્જનાત્મકતા બહાર લાવવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે.

ઉપરોક્ત જણાવ્યા મુજબ શાળા માત્ર ચોપડિયુ અને ગોખણીયુ જ્ઞાન આપવા કરતા વિધાર્થીઓના જીવન મુલ્યો આધારિત જ્ઞાન કેમ મળે તે માટે સતત ચિંતિત છે. તેને અનુલક્ષીને શાળામાં અલગ અલગ કાર્યક્રમ જેવા કે 'રામ દુકાન', 'અક્ષય પાત્ર' અને 'ખોયા-પાયા' વગેરે ચાલે છે.

શાળામાં BISAG દ્વારા પ્રસારિત કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો દ્વારા પણ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરી શિક્ષણ અપાય છે.

શાળાને બે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

૧. પ્રથમ ક્રમ શ્રેષ્ઠ શાળા એવોર્ડ - તાલુકા કક્ષાએ (૨૦૦૪ - ૨૦૦૫)

૨. પ્રથમ ક્રમ ગુણવત્તા એવોર્ડ - જીલ્લા કક્ષાએ (૨૦૦૮ - ૨૦૦૯)