હેબુવા ગામમાં આવેલ મંદિરો અને દેવસ્થાનો

મેલડી માતાનું મંદિર

મેલડી માતાનું મંદિર હેબુવામાં રહેતા પ્રજાપતિ જ્ઞાતિના રહેવાસીઓનું આસ્થાનું કેન્દ્ર છે. વર્ષોથી આ મંદિરની કીર્તન પૂજન અને અર્ચના થાય છે. અહી સાથે બહુચરમાતા પણ બિરાજમાન છે. આ મંદિર વિશે વધુ જાણતા માલુમ પડ્યું કે આજ સુધી જે કોઈપણ ભાઈ કે બહેને પૂર્ણ શ્રદ્ધા અને સ્વચ્છ દિલથી જે પણ મનોકામના રાખી છે એ પૂરી થઇ જ છે.

પરંપરા :

આ મંદિરે દર નવરાત્રીના આઠમના દિવસે બધા જ પ્રજાપતિ ભાઈઓ, જે ગામ બહાર અલગ અલગ જગ્યાએ વસવાટ કરે છે તે બધાય મહેલ્લામાં ભેગા થાય છે. આ દિવસે ગામના દરેક પ્રજાપતિ ના ઘરેથી નીવેદ બનાવીને લાવવામાં આવે છે અને માતાજીને ચડાવ્યા બાદ તેને સમૂહમાં બેસીને પ્રસાદ નો લાહવો લેવાનો હોય છે. આજ દિવસે રાતે માતાજીની આઠમની મહત્વની આરતી થાય છે અને બધા ગરબાનો આનંદ માણે છે. દેવદિવાળીના દિવસે પણ માતાજીને માનેલા ફૂલોના ગરબા આજે પણ માતાજીના પ્રાંગણમાં નીકળે છે.

પ્રજાપતિ ભાઈઓના ઘરે જન્મેલ પ્રથમ છોકરાની બાબરી અહી માતાજીના મંદિરે જ ઉતારવાની હોય છે. અહી વર્ષમાં ચૈત્ર મહિના તથા કારતક મહિનામાં માતાજીની રમેણ થાય છે.


પ્રજાપતિ ભાઈઓ દ્વારા ગામમાં નવું બહુચર માતાના મંદિર બનવાનું કામ પણ ચાલી રહ્યું છે.